પરિવારો માટે માર્ગદર્શિકા
તમારી કિન્ડર કિટ વિશે
તમારા બાળકને રમત રમવા પ્રોત્સાહિત કરવું એ તેમના શિક્ષણ અને વિકાસને ટેકો આપવાનો એક ઉત્તમ માર્ગ છે. માતાપિતા, સંભાળકર્તાઓ અને પરિવારો એ યાત્રાનો સૌથી મહત્વપૂર્ણ ભાગ છે.
કિન્ડર કિટ્સ પુસ્તકો, શૈક્ષણિક રમકડાં અને તમારાં બાળક તથા પરિવારને ઘરે આનંદ કરવા માટે બનાવેલી પ્રવૃત્તિઓથી ભરવામાં આવી છે.
દરેક કિન્ડર કિટમાં ખાસ ત્રણ વર્ષના બાળકો માટે બનાવેલ વસ્તુઓ શામેલ છે.
વિક્ટોરિયાનાં પ્રારંભિક વર્ષોનું શિક્ષણ અને વિકાસ માળખું
પ્રારંભિક બાળપણના શિક્ષકો અને કેળવણીકારો તમારા બાળકનાં વૃદ્ધિ અને શિક્ષણને સહાય કરે છે.
કિંડરગાર્ટન કાર્યક્રમો બાળકોનાં શિક્ષણ અને વિકાસને માર્ગદર્શન આપવા માટે વિક્ટોરિયાનાં પ્રારંભિક વર્ષોનાં શિક્ષણ અને વિકાસ માળખાં (VEYLDF)નો ઉપયોગ કરે છે.
તમારી કિંડર કિટમાંની દરેક વસ્તુ VEYLDFમાંનાં ૧ અથવા તેથી વધુ પરિણામો સાથે સંલગ્ન છે.
- ઓળખ
- શિક્ષણ
- સમુદાય
- વાર્તાલાપ
- સુખાકારી
દફતર
કિંડર કિટ દફ્તરનો ઉપયોગ દરરોજ વસ્તુઓ વહન કરવા અને રમવા માટે થઈ શકે છે.
તમારું બાળક પાછળના ભાગનાં કાર્ડબોર્ડ ટેગ પર ચિત્ર દોરી શકે છે, જેથી તેમને ખબર પડે કે કયું દફ્તર તેમનું છે.
દફ્તરની ચેઇન ખોલો અને કલ્પનાત્મક રમત રમવા માટે રૂંછાવાળી સપાટીનો ઉપયોગ કરવા માટે વેલ્ક્રો ટેબ્સને નીચે ચોંટાડો.
- દફતરનાં પટ્ટાંને કસો અથવા ઢીલો કરો જેથી દફતર તમારા બાળકની પીઠ પર રહે.
- રુંછાવાળા સ્ટીકરોથી વાર્તા બનાવો.
- નામના ટેગ પર ચિત્ર દોરવા પ્રોત્સાહિત કરો.
- પૂર્વ-લેખનનાં કૌશલ્યનો મહાવરો કરો.
વાંચન
વાંચન એ કુટુંબ તરીકે એક સાથે સમય પસાર કરવાની એક સરસ રીત છે. સાક્ષરતા વિકાસને ટેકો આપવા માટે તે સૌથી મહત્વપૂર્ણ પદ્ધતિઓ પૈકીની એક છે.
તમારા બાળક સાથે નિયમિત વાર્તા કરવાનો સમય પસાર કરવાથી તેમની કલ્પનાશક્તિ અને શબ્દભંડોળ વિકસાવવામાં મદદ મળે છે.
- સાથે મળીને પુસ્તક પસંદ કરો.
- બેસવા અને વાંચવા માટે આરામદાયક સ્થળ શોધો.
- તમારા બાળકને પૂછો કે વાર્તામાં આગળ શું આવી∕ થઇ શકે છે.
- પાત્રો સાથે મેળ ખાવા માટે વિવિધ અવાજો કાઢીને વાંચો.
ચિત્રકામ અને ચિન્હો બનાવવા
ચિત્રકામ અને નિશાનીઓ બનાવવાથી બાળકો પોતાને સર્જનાત્મક રીતે વ્યક્ત કરી શકે છે અને તેમનો આત્મવિશ્વાસ વધે છે. બાળકો, કાગળ પર મીણીયા ચોકનો ઉપયોગ કરીને:
- નાનાં સ્નાયુઓ વાપરવાની કુશળતા વિકસાવી શકે છે, જે કેવી રીતે લખવું તે શીખવા માટે મહત્વપૂર્ણ છે
- તેમના હાથ-આંખના સંકલનમાં સુધારો કરે છે
- રંગો, આકારો, રેખાકૃતિઓ અને રેખાઓ વિશે જાણે છે
- સર્જનાત્મકતા વ્યક્ત કરે છે
- અન્ય લોકો સાથે વાતચીત કરે છે.
- તમારા બાળકને ચિત્રકામની પ્રક્રિયાનો આનંદ માણવા માટે પ્રોત્સાહિત કરો.
- તમારા બાળકને તેમના ચિત્રકામ વિશે વાત કરવા માટે મુક્ત (જવાબ હા કે ના સિવાયનો હોય તેવા) પ્રશ્નો પૂછો.
- તમે જુઓ છો તે રંગો અને આકારોનાં નામ કહો.
સર્જનાત્મક પ્રવૃત્તિઓ
સર્જનાત્મક રમતો તમારા બાળકની તમામ ૫ ઇન્દ્રિયો - દૃષ્ટિ, ગંધ, શ્રવણ, સ્પર્શ અને સ્વાદને કાર્યપ્રવૃત્ત કરે છે. તમારી આસપાસની દુનિયાનું નિરીક્ષણ કરવા, શોધવા અને જાણવા માટે તે એક મનોરંજક રીત છે.
- તમારા બાળકને ફરીથી શરૂ કરવું ખોટું નથી તેવું બતાવીને ઉલ્લસિત વૃત્તિને પ્રોત્સાહિત કરો. જો બ્લોક્સ પડી જાય, તો થોડા ઊંડા શ્વાસ લો અને ભેગા મળીને ફરીથી ગોઠવવાનું શરૂ કરો.
- રમવાની માટીનો દડો બનાવવાનો પ્રયાસ કરો, આકારો બનાવો, તેને સપાટ કરો, તેને દબાવો.
- ભેગા મળીને સંગીત રચો. તમારા હાથથી તાળીઓ પાડીને અથવા તમારા ઘરે રહેલી વસ્તુઓ પર ટપલીઓ મારીને વિવિધ લય અને તાલ બનાવો.
ખુલ્લી જગ્યામાં રમવું
જવાબદાર વ્યક્તિની દેખરેખ હેઠળ ખુલ્લી જગ્યામાં રમવું એ તમારા બાળકની વૃદ્ધિ, વિકાસ અને સુખાકારીનો મોટો ભાગ છે.
બાળકો:
- પ્રકૃતિનું નિરીક્ષણ કરીને વિજ્ઞાન વિશેની તેમની સમજણ વધારે
- સ્વતંત્રતાની ભાવના કેળવે
- અન્ય બાળકો સાથે સામાજિક રીતે હળીમળી શકે છે
- રમતી વખતે સારા નિર્ણયો લેવાનું શીખો અને શોધખોળ કરે
- સમગ્ર શરીરનું હલનચલન, હાથ-આંખ સંકલન અને નાનાં સ્નાયુઓ તથા સર્જનાત્મકતાનાં કૌશલ્યો વિકસાવી શકે છે.
- પાંદડાં વિશે વાત કરો અને વિવિધ રંગો અને આકારોનાં નામ આપો.
- ભેગા મળીને બીજો રોપવા.
- પ્રકૃતિ સાથે જોડાઓ. આપણા પર્યાવરણની સુરક્ષા વિશે વાત કરો.
- રેતીનાં મહેલો બનાવો.
નાટ્યાત્મક રમત
નાટ્યાત્મક રમત બાળકોને કાલ્પનિક વાર્તાઓનો અભિનય કરવા અને અન્ય પાત્રોની ભૂમિકાઓ ભજવવા પ્રોત્સાહિત કરે છે.
બાળકો ભાષા અને સામાજિક કુશળતા જેવા મહત્વપૂર્ણ કૌશલ્યોનો મહાવરો કરવા માટે નાટકીય રમતોનો ઉપયોગ કરે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- નવી દુનિયાઓ વિશે જાણવું અને તે બનાવવી
- વહેંચવું અને વારા લેવા
- એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા અને વાટાઘાટો કરવાની રીતો.
- પ્રાણીઓનાં નામ અંગ્રેજીમાં અને અન્ય ભાષાઓમાં બોલો.
- પાત્રો બનાવો.
- વાર્તાઓ બનાવો.
- લાગણીઓ અને વિવિધ મનોભાવોનું અન્વેષણ કરવા અને તે વ્યક્ત કરવા માટે પ્રાણીઓનો ઉપયોગ કરો.
રમતો
કુટુંબ અને મિત્રો સાથે રમતો રમવી એ તમારા બાળકનાં સામાજિક કૌશલ્યો વધારવાની એક સરસ રીત છે.
રમતો બાળકોને આંકડાશાસ્ત્ર, ભાષા અને સમસ્યા ઉકેલવાનાં કૌશલ્ય શીખવામાં મદદ કરી શકે છે.
- રમતના નિયમો જાણો અને વારા લેવાનો મહાવરો કરો.
- કોયડા ઉકેલવાની અને યાદશક્તિની કુશળતાને વધારો.
- સંખ્યાઓની ચર્ચા કરો અને પદાર્થો સાથે ગણતરીનો મહાવરો કરો.
સમુદાયો બનાવવા
રમતોથી બાળકો પોતાને અને તેમની આસપાસની દુનિયાને જાણે છે અને તેના વિશે શીખે છે. બાળકો માટે, રમત અને શિક્ષણ એક સાથે જ થાય છે. તમારી કિન્ડર કિટમાંની વસ્તુઓ તમને વૈવિદ્યતા અને વિવિધ સંસ્કૃતિઓ વિશે વાતચીત કરવા માટે સહાય કરે છે.
- તમારા બાળક સાથે અન્ય દેશો અને તેમના મૂળ પ્રાણીઓ વિશે વાત કરો.
- જુદી જુદી ભાષાઓ ક્યાંથી ઉદ્ભવે છે તે જોવા માટે વિશ્વનો નકશો જુઓ.
ઓળખનો આદર કરવો
બાળકોને બધી સંસ્કૃતિઓ વિશે શીખવા માટે પ્રોત્સાહિત કરવાથી સમજણ, સ્વીકૃતિ અને ગૌરવનું નિર્માણ થાય છે. એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર સંસ્કૃતિઓ, અને અહીં વિક્ટોરિયામાં, કૂરી સંસ્કૃતિઓ, આજે જીવંત અને સમૃદ્ધ છે. આ કિટ્સમાં લેખકો અને કલાકારો તરીકે તેમને પ્રસિદ્ધ કરવાનો અમને ગર્વ છે.
અહીં તમારા બાળકને કૂરી પરંપરાઓ અને સંસ્કૃતિઓ વિશે વધુ જાણવા માટે મદદ કરવા માટે કેટલીક પ્રવૃત્તિઓ છે:
- વસ્તુઓ અથવા પ્રાણીઓ માટેનાં કૂરી ચિન્હો જાણો.
- કૂરી સંસ્કૃતિઓ, નેતાઓ અને નાયકો વિશે જાણો અને વાત કરો.
- દેશની સ્વીકૃતિનું મહત્વ જાણો.
ઓસલાનમાં પુસ્તકો
ઓસ્લાન એ વિક્ટોરિયાના પ્રારંભિક બાળપણ ભાષા કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાતી હાવભાવ દ્વારા અભિવ્યક્ત થતી ભાષા છે. આ પ્રોગ્રામ કેટલાક કિંડરગાર્ટનમાં ઉપલબ્ધ છે.
નાની ઉંમરમાં અન્ય ભાષા શીખતાં બાળકોને ઘણા ફાયદા થાય છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે:
- પૂર્વ-વાંચન અને પૂર્વ-લેખન કૌશલ્યમાં વધારો
- સુધારેલ ચપળ વિચારશીલતા
- આત્મસન્માન અને સુખાકારીમાં વધારો
- સાંસ્કૃતિક ઓળખ દ્રઢ થાય છે.
૨૦૨૬ કિન્ડર કિટ્સમાં સમાવિષ્ટ ઘણા પુસ્તકોમાં ઓસ્લાન અનુવાદો ઉપલબ્ધ છે.
- ઓસ્લાન દ્વારા લાગણીઓ વ્યક્ત કરો.
- ઓસ્લાનમાં હેલો કહો.
બાળ સલામતી, સુખાકારી અને વધારાની સહાય
બાળકોની સલામતી અને સુખાકારી કરતાં વધુ મહત્વનું કંઈ નથી. તમારી સેવાને પૂછો કે તેઓ બાળકોને કેવી રીતે સુરક્ષિત રાખે છે.
બધા બાળકો જુદી-જુદી રીતે અને પોતાની ઝડપે શીખે છે. જો તમને કોઈ ચિંતા હોય તો તમારા પ્રારંભિક બાળપણના શિક્ષક સાથે વાત કરો. જો તમને અથવા તમારા બાળકને વધારાની સહાયની જરૂર હોય, તો નીચેની પદ્ધતિઓથી સહાય ઉપલબ્ધ છે:
- તમારા પ્રશ્નોની ચર્ચા કરવા માટે તમારા ડૉક્ટર અથવા માતૃ અને બાળ આરોગ્ય નર્સને મળવા માટે એપોઇન્ટમેન્ટ લો.
- જન્મથી ૬ વર્ષ સુધીના બાળકો ધરાવતા વિક્ટોરિયાનાં પરિવારો માટે માતૃત્વ અને બાળ આરોગ્ય સેવાને, દિવસમાં ૨૪ કલાક, અઠવાડિયાના ૭ દિવસ ૧૩ ૨૨ ૨૯ પર ફોન કરો.
પ્રારંભિક બાળપણના શિક્ષણમાં કારકિર્દી
વિક્ટોરિયાના વધતા કિન્ડરગાર્ટન ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરવાનું વિચારો. પ્રારંભિક બાળપણના શિક્ષક અથવા કેળવણીકાર બનવા માટે તમને સહાય કરવા માટે, ઉપલબ્ધ છે:
- મોકળાં અભ્યાસ વિકલ્પો
- ઉદાર શિષ્યવૃત્તિઓ
- નાણાંકીય પ્રોત્સાહનો.
તમારી કિન્ડર કીટનું દાન કરવું
એકવાર તમારું બાળક તેમની કિન્ડર કિટ વસ્તુઓનો ઉપયોગ પૂર્ણ કરીલે, પછી કૃપા કરીને તેનો જવાબદારીપૂર્વક નિકાલ કરો.
જો વસ્તુઓ સારી સ્થિતિમાં હોય, તો તેને ધર્માદા સંસ્થામાં દાન કરવાનું વિચારો. પોતાને પૂછો કે 'શું હું આ મિત્રને આપીશ?'. જો જવાબ હા હોય તો ધર્માદા સંસ્થામાં દાન કરવું યોગ્ય છે.
જો તમારી વસ્તુઓ દાન કરવા માટે યોગ્ય નથી, તો કૃપા કરીને જ્યાં શક્ય હોય ત્યાં તેમને રિસાયકલ કરો.
કચરાને યોગ્ય રીતે ઘટાડવા અને નિકાલ કરવાથી સ્વચ્છ, હરિયાળું વિક્ટોરિયા બનાવવામાં મદદ મળે છે.
Updated
